ચંડીગઢ: કોરોના વાયરસના સંક્રમણને જોતા રાજ્ય સરકારો લોકડાઉન વધારવાનો નિર્ણય આપોઆપ લઈ રહી છે. ઓડિશા બાદ હવે પંજાબે પણ લોકડાઉન/કરફ્યૂ વધારવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહના નેતૃત્વમાં થયેલી પંજાબ કેબિનેટની બેઠકમાં રાજ્યમાં લોકડાઉનને પહેલી મે સુધી વધારવાનો નિર્ણય લેવાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયો કોન્ફરન્સંગ દ્વારા પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રીએ એક ચોંકાવનારી વાત કરી. તેમણે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોની વાત ટાંકતા કહ્યું કે "આવનારા સમયમાં કોરોના વાયરસની સ્થિતિ વધુ ખતરનાક થઈ શકે છે. તેમણે કહ્યું કે અમારા કેટલાક સીનિયર અને ટોપ મેડિકલ ઓફિસર્સે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે કે આ મહામારી સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં ચરમસીમાએ પહોંચશે. આ વાયરસના કારણે દેશની 58 ટકા વસ્તી સંક્રમિત થશે. જ્યારે પંજાબમાં 80 ટકાથી વધુ લોકો પ્રભાવિત થશે."


તેમણે જણાવ્યું કે "અત્યાર સુધીમાં પંજાબમાં કોવિડ 19ના 132 કેસની પુષ્ટિ થઈ છે. જેમાંથી 11 લોકોના મોત થયા છે. અત્યાર સુધી ભેગા કરાયેલા નમૂનાની કુલ સંખ્યા 2877 છે અને એક રાજ્ય કે જેની વસ્તી 28 મિલિયન છે તેમના માટે આ પૂરતું નથી."



તેમણે કહ્યું કે અત્યાર સુધી અમારી પાસે 651 લોકો  છે જે દિલ્હીના નિઝામુદ્દીનથી પંજાબ આવ્યાં. અમે તેમાંથી 636ની ભાળ મેળવી લીધી છે. 15ની ભાળ મેળવવાની હજુ બાકી છે. અમે તેમને શોધી રહ્યા છીએ. 


અત્રે જણાવવાનું કે કોરોના વાયરસ વિરુદ્ધની જંગમાં પંજાબે જ સૌથી પહેલા કરફ્યૂ લગાવ્યો હતો. પ્રદેશના મુખ્ય સચિવ કેબીએસ સિદ્ધુએ કહ્યું કે પંજાબના મંત્રીમંડળે લોકડાઉન/કરફ્યૂને 30 એપ્રિલ/1 મે સુધી વધારવાનો નિર્ણય લીધો છે. આજથી તેને 21 દિવસ માટે વધારવામાં આવ્યો છે. 


નોંધનીય છે કે દેશમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન ચાલુ છે. કોરોના વાયરસની ભયાનકતા જોતા દેશના અનેક રાજ્યોએ કેન્દ્ર દ્વારા લાગુ કરાયેલા લોકડાઉનને આગળ વધારવાનું શરૂ કરી દીધુ છે.